નવી દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા નિર્મલા સીતારામને બજેટમાં જાહેરાત કરી હતી કે સંરક્ષણ વિભાગ માટેની કુલ ફાળવણીના 68 ટકાનો ખર્ચ ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનો પાછળ કરાશે. તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર સંરક્ષણ ઇક્વિપમેન્ટની આયાત ઘટાડવા પ્રતિબદ્ધ છે. વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં સંરક્ષણ માટેની ફાળવણીનો ૫૮ ટકા હિસ્સો ઘરેલુ ઉત્પાદનોમાં ખર્ચાયો હતો. હકીકતમાં આ લક્ષ્યાંક ૬૩ ટકા હતો. જે રૂપિયા ૭૦,૨૨૧ કરોડ થવા જાય છે.
સંરક્ષણ બજેટની ફાળવણીનો ૬૮ ટકા હિસ્સો ઘરેલુ ઉત્પાદનો પાછળ ખર્ચ કરવાથી ઘરેલુ સંરક્ષણ કંપનીઓને વેગ મળશે. તેના કારણે એમએસએમઇ અને સ્ટાર્ટ અપ્સને પણ ઘણો લાભ થશે. ૨૦૨૦-૨૧માં પહેલીવાર સંરક્ષણ ખરીદી માટે ઘરેલુ કંપનીઓ પાછળ ૫૮ ટકા ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સીતારામને જણાવ્યું હતું કે, ડિફેન્સ રિસર્ચનો ૨૫ ટકા હિસ્સો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી માટે અલગ કરાશે. જેના પગલે દેશમાં પ્રાઇલેટ ઇડસ્ટ્રી માટે સંરક્ષણ ક્ષેત્રે રિસર્ચના દ્વાર ખુલી જશે. પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી ડીઆરડીઓ સાથે મળીને મિલિટરી સંસાધનોની ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં જોડાશે.